રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો.
ભારતની ક્રિકેટ ટીમમાં ગુજરાતી ક્રિકેટરનો દબદબો તો છે જ. સાથે વિશ્વ ક્રિકેટમાં પણ ઘણા ગુજરાતી મૂળના ક્રિકેટર અન્ય દેશોની રાષ્ટ્રીય ટીમમાં રમી ચૂક્યા છે અથવા હાલમાં રમી રહ્યા છે. ભારતની વન-ડે વર્લ્ડ કપ 2023ની ટીમ જાહેર થઇ ત્યારે તેમાં ચાર ગુજરાતી ક્રિકેટર હતા. જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ, ઇજાના કારણે અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયા.
તેમ છતાં હાલમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે મુળ ગુજરાતી હોય તેવા ક્રિકેટરનો પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દબદબો છે. 35 જેટલા મૂળ ગુજરાતી ક્રિકેટરે અન્ય દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
તેમાં મૂળ સુરતના દિગ્ગજ બેટર હાશિમ અમલાથી લઇ આણંદમાં જન્મેલા અને હાલમાં અમેરિકાની ક્રિકેટ ટીમના સુકાની મોનાક પટેલનો સમાવેશ થાય છે. સૌથી વધુ ગુજરાતી મૂળના 8 ક્રિકેટર કેન્યા માટે રમી ચૂક્યા છે.
જ્યારે ન્યૂઝીલેન્ડ માટે 4, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને પૂર્વ આફ્રિકાના દેશ માલાવી માટે ૩, ઓમાનથી 2મૂળ ગુજરાતી ક્રિકેટર વન-ડે, ટેસ્ટ કે ટી- 20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે.
દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન પનામા, ચિલી. યુગાન્ડા, બલ્ગેરિયા ચેક રિપબ્લિક, લિસોટો અને સોલ્સ માટે એક એક ગુજરાતી ખેલાડીઓ ક્રિકેટ રમી ચૂક્યા છે. ભારતની ક્રિકેટ ટીમમાં કોઇને કોઇ ગુજરાતી ખેલાડી રમતો આવ્યો છે.
આઝાદી પહેલાં જામનગરમાં જન્મેલા વિનુ માંકડ ભારત માટે રમી ચૂક્યા છે. તેઓ 44 ટેસ્ટ મેચ રમ્યા હતા. મૂળ ગોધરાના નરી કોન્ટ્રાક્ટર ગુજરાતની સ્થાપના નહોતી થઇ ત્યારે પણ ભારત માટે ક્રિકેટ રમી રહ્યા હતા. જ્યારે રાજકોટમાં જન્મેલા કરસન ઘાવરી એ ભારત માટે 39 ટેસ્ટ મેચ રમી છે. કિરણ મોરેએ ભારત માટે 4 વન-ડે અને 49 ટેસ્ટ મેચ રમી છે.
હાલમાં અફગાનિસ્તાન ક્રિકેટ ટીમના મેન્ટર અજય જાડેજાએ ભારત માટે 196 વન-ડેમાં 5 હજારથી વધુ રન બનાવ્યા છે. મૂળ ગુજરાતી દિનેશ મોગિયા. નયન મોગિયા પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
આ ઉપરાંત હાલમાં વન-ડે વર્લ્ડ કપમાં રમી રહેલા જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા ગુજરાતી છે. આ પહેલાં 2011ના વર્લ્ડ કપમાં મુનાફ પટેલ, યુસુફ પઠાણ રમી ચૂક્યા છે. જ્યારે ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ અને ઓપનર પાર્થિવ પટેલ થોડાંક વર્ષો પહેલાં ભારત માટે ક્રિકેટ રમતા હતા.
હાલમાં હાર્દિક પંડ્યા, કૃષ્ણાલ પંડ્યા, અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા જેવા ખેલાડીઓ ભારત માટે રમી રહ્યા છે.
હાશિમ અમલા, સાઉથ આફ્રિકા
મુળ સુરતી હાશિમ અમલાએ દક્ષિણ આફ્રિકા માટે 181 વન-ડે, 124 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 17 હજારથી વધુ રન કર્યા છે. 3 વન-ડે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે.
નિસર્ગ પટેલ, અમેરિકા
ઓલરાઉન્ડર નિસર્ગ પટેલનો જન્મ અમદાવાદમાં થયેલો છે. 35 વર્ષીય ક્રિકેટરે 41 વન-ડે અને 17 ટી-20 મેચ રમી છે.
જીતન પટેલ- ન્યૂઝીલેન્ડ
મૂળ નવસારીના જીતન પટેલે 43 વન-ડે, 24 ટેસ્ટ મેચ રમી છે. ઓફ સ્પિનરે 100થી વધુ વિકેટ ઝડપી છે.
હસીબ હમીદ, ઈંગ્લેન્ડ
ભરૂચનું મૂળ ધરાવતો બેટર હસીબ હમીદ ઇંગ્લેન્ડ માટે 10 ટેસ્ટ મેચ રમ્યો છે. તેણે રાજકોટમાં ભારત સામે ડેબ્યુ કર્યું હતું.
દીપક પટેલ, ન્યૂઝીલેન્ડ
કેન્યામાં જન્મેલા મૂળ ગુજરાતી ક્રિકેટરે 1987- 1997 સુધી ન્યૂઝીલેન્ડ માટે 100થી વધુ મેચ મી. મિડલ ઓર્ડર બેટર અને ઓફ સ્પિનરે 120 વિકેટ પણ ખેરવી છે.
દાનિશ કનેરિયા, પાકિસ્તાન
દાનિશ કનેરિયાના વડવાઓ સુરતમાં રહેતા અને બાદમાં કરાચી સ્થળાંતરિત થયા હતા. લેગ સ્પિનરે કારકિર્દી દરમિયાન 61 ટેસ્ટમાં 261 વિકેટ ઝડપી હતી,
એજાઝ પટેલ- ન્યૂઝીલેન્ડ
ટેસ્ટની એક ઇનિંગમાં જ 10 વિકેટ લેવાનો રૅકોર્ડ ધારક એજાઝે 14 ટેસ્ટમાં 48 વિકેટ ઝડપી છે. ડાબોડી સ્પિનરના પરિવારનું મૂળ ભરૂચનું ટંકારા ગામ છે.
જીત રાવલ, ન્યૂઝીલેન્ડ
અમદાવાદમાં જન્મેલો જીત 24 ટેસ્ટમાં ઓપનિંગ કરી ચૂક્યો છે. ગુજરાત માટે પાર્થિવ પટેલ સાથે ડોમેસ્ટિક મેચ રમી ચૂક્યો છે.
સમિત પટેલ, ઇંગ્લેન્ડ
ભાવનગરનું મૂળ ધરાવતા સમિતે ઇંગ્લેન્ડ માટે 36 વન-ડે અને 6 ટેસ્ટ મેચ રમી છે. છેલ્લી વન-ડે ભારત સામે 2013માં રમ્યો હતો.
કશ્યપ પ્રજાપતિ, ઓમાન
ખેડામાં જન્મેલા કશ્યપ 50થી વધુ વનડે- ટી-20 મેચમાં રમ્યો છે. 28 વર્ષીય બેટ્સમેને ૨ સદી ફટકારી છે.
અમદાવાદ, પોરબંદરમાં જન્મેલા ક્રિકેટર બીજા દેશ વતી રમે છે
ઉપરોક્ત 11 ક્રિકેટર ઉપરાંત મિનલ પટેલ, અમેરિકા માટે અન્ય ગુજરાતી ક્રિકેટરમાં પોરબંદરમાં જન્મેલા અને ઓમાન માટે રમી રહેલા જય ઓડેદરાનો સમાવેશ થાય છે.
જ્યારે કેનેડા માટે અમદાવાદમાં જન્મેલા હિરલ પટેલ, આશિષ પટેલ, જીતેન્દ્ર પટેલ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
હિરલ પટેલ આશિષ પટેલકેન્યા માટે અલ્પેશ વાઢેર, રવિન્દુ શાહ, બ્રિજલ પટેલ, રાકેપ પટેલ હિતેશ મોદી મલ્હાર પટેલ, કલ્પેશ પટેલ, રૂષભ પટેલ અને ઇંગ્લેન્ડ માટે તિમિલ પટેલ, ઈસ્ટ આફ્રિકાના દેશમાલાવી માટે આદિલ પટેલ, હઝા પટેલ, ઇરફાન પટેલ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે.
Ravindu shah, kenya
પનામા માટે સોહેલ પટેલ, ચિલી માટે મર્થક પટેલ, યુગાન્ડા માટે રોનક પટેલ, બલ્ગેરિયા માટે રોહન પટેલ, ચેક રિપબ્લિક માટે સ્મિત પટેલ, લિસોટો માટે અયાઝ પટેલ, સિસલ્સ માટે કે જે પટેલ ટી-20 મેચ રમી ચૂક્યા છે.
0 Comments